તંત્રની વધુ એક ગેરરીતિ સામે આવી છે.સસ્તા અનાજની દુકાનમાં ગ્રાહકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. ગ્રાહકોને 24 કિલોની જગ્યાએ માત્ર 20 કિલો જ અનાજ આપવામાં આવે છે અને બાકીનું અનાજ ખાનગી વેપારીઓને બારોબાર વેચી મારવામાં આવે છે. એક બાજુ સતત એવી બુમો પાડવામાં આવે છે કે સસ્તા અનાજની દુકાનમાં પુરવઠો નથી બીજી બાજુ એ જ પુરવઠાને ચાઉં કરી જવાનો?
મહેસાણાના વડનગરમાં સસ્તા અનાજની દુકાનમાં અનાજ સગેવગે કરવાનું કૌભાંડ સામે આવ્યું છે. સસ્તા અનાજની દુકાનનો સંચાલક ગ્રાહકોને પહેલા ઓછું અનાજ આપે છે અને ત્યાર બાદ બાકીનું અનાજ ખાનગી દુકાન સંચાલકને વેચી દે છે.
ગ્રાહકોને 24 કિલો અનાજની જગ્યાએ માત્ર 20 કિલો અનાજ અપાય છે. એટલે બાકીનું 4 કિલોનું અનાજ ચવાઇ જાય છે. એક બાજુ ઓછા અનાજનો પુરવઠો સરકાર દ્વારા આવતો હોવાની બુમો પડે છે અને બીજી બાજુ જે પુરવઠો આવે છે તેને પણ બારોબાર વેચી દેવામાં આવે છે. ખુદ ખાનગી દુકાનના માલિકે પણ આ વાતની કબૂલાત કરી હતી કે તેઓએ પુરવાઠાનું અનાજ ખરીદ્યું છે. સસ્તા અનાજની દુકાનના સંચાલકો લાખ મના કરે પરંતુ ખુદ અનાજ ઉતરતો અને ખાનગી દુકાનો દ્વારા આ પુરવઠાના અનાજની ડિલિવરી લેતો વીડિયો સામે આવ્યો છે.
ગ્રાહકોનું સસ્તું અનાજની ગેરરીતિ ક્યારે અટકાશે? સસ્તા અનાજમાં કટકી કરનારા દુકાન સંચાલકો સામે પગલા કેમ નથી લેવાતા? આવા દુકાન સંચાલકોનું લાઇસન્સ કેમ રદ નથી કરાતુ? અનાજમાં કટકી કરી ખાનગી દુકાનોમાં વેચનારાઓ સામે કાર્યવાહી ક્યારે? પુરવઠાના અનાજને ખાનગી દુકાનોમાં વેચવાનું કૌભાંડ કેટલા સમયથી ચાલે છે?