અમદાવાદ: CIMS હોસ્પિટલ પાસે કોવિડ દર્દીઓની સારવારનું રૂ.1.50 કરોડનું બિલ પાસ કરવા માટે કોર્પોરેશનના હેલ્થ ઓફીસર વતી આદિત્ય હોસ્પિટલના ડૉ. નરેશ મલ્હોત્રાએ રૂ.15 લાખની લાંચની માંગણી કરી હતી. આ અંગે સિમ્સ હોસ્પિટલએ ફરિયાદ નોંધાવતા એસીબીની ટિમે આરોપી ડૉ. નરેશ મલ્હોત્રા વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સિમ્સ હોસ્પિટલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વચ્ચે થયેલા એમઓયુ મુજબ કોવિડ 19ની સારવાર માટે સરકારી રેફરન્સથી આવતા દર્દીઓનું બિલ સરકાર તરફથી ચુકવવામાં આવે છે. આ એમઓયુ મુજબ કોવિડ દર્દીઓની સારવારનું રૂ.1.50 કરોડ બિલ સિમ્સ હોસ્પિટલને કોર્પોરેશન પાસેથી લેવાનું થતું હતું.
સિમ્સ હોસ્પિટલનું આ બિલ પાસ કરવા માટે કોર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ ઓફીસર વતી આદિત્ય હોસ્પિટલના ડૉ. નરેશ મલ્હોત્રાએ લાંચ પેટે કુલ બીલના 10 ટકા રકમ માંગી હતી.
સિમ્સ હોસ્પિટલના સંચાલકો લાંચ આપવા માંગતા ના હોઈ તેઓએ એસીબીમાં ફરિયાદ કરી હતી. એસીબીની ટિમે આદિત્ય હોસ્પિટલના ડૉકટર નરેશ મલ્હોત્રા વિરૂધ્ધ ભ્રષ્ટાચાર લાંચનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.