આમ આદમી પાર્ટીના વિરોધ પક્ષના નેતા દ્વારા ગંભીર આક્ષેપો ભાજપ ઉપર કરવામાં આવ્યા છે. વિરોધ પક્ષના નેતા ધર્મેશ ભંડેરી દ્વારા પત્રકાર પરિષદ બોલાવીને પોતાના પાર્ટીના કોર્પોરેટરોને ખરીદવા માટે લાલચ આપી રહ્યા હોવાના ફોન આવતા હોવાનો ખુલાસો કર્યો હતો. આમ આદમી પાર્ટીના એક પુરુષ કોર્પોરેટર અને બે મહિલા કોર્પોરેટરો પર એક જ વ્યક્તિના નંબર પરથી ફોન કરવામાં આવ્યો હતો. ત્રણેય કોર્પોરેટરોને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ જવા માટે લાલચ આપવાનો પ્રયાસ કર્યો છે.આમ આદમી પાર્ટીના સક્રિય કોર્પોરેટર મહેશ અણઘણ વોર્ડ નંબર-3, રચના હિરપરા વોર્ડ નંબર- 17 અને કુંદન કોઠીયા વોર્ડ નંબર- 4ના કોર્પોરેટર ઉપર વોટ્સઅપ કોલ આવ્યો હતો.
જેમાં કોર્પોરેટર સાથે લાંબી ચર્ચા કરી હતી. તેમાં કહેવામાં આવ્યું હતું કે, આમ આદમી પાર્ટીના મુખ્ય બે નેતાઓ ભાજપમાં જોડાઈ ગયા છે. હવે આ પાર્ટીનું અસ્તિત્વ રહેવાનું નથી. તેથી તમે પણ આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાઓ. તે પ્રકારની વાત કરી હતી. એક જ નંબર પરથી ત્રણેય કોર્પોરેટરોને ફોન આવતા વિરોધ પક્ષના નેતાએ આ બાબતે ખુલાસો કર્યો હતો.મહેશ અણઘણે કહ્યું કે, મારા ઉપર અજાણ્યા વ્યક્તિના નંબર પરથી વોટ્સઅપ કોલ આવ્યો હતો. તેણે મને કહ્યું કે, ભારતીય જનતા પાર્ટીનું ભવિષ્ય ખૂબ જ સારું છે. આમ આદમી પાર્ટીનું ભવિષ્ય રહ્યું નથી. તમારા દિગ્ગજ નેતાઓએ ભાજપ છોડી દીધું છે હવે તમે પણ ઝડપથી છોડી દો. અમે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને ખરીદી લઈશું. તેણે કહ્યું કે, તમારી અનેક લોન ચાલી રહી છે. તમારા સંતાન કોલેજમાં ભણી રહ્યા છે. તમારી તમામ જવાબદારી અને માગણી અમે પૂર્ણ કરી દઈશું. તમે આમ આદમી પાર્ટીને છોડી દો. એ પ્રકારની વાત તેમણે કહેતા મેં તેમને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, લોકશાહીમાં મારા મતદારોએ મને વિશ્વાસ રાખીને મત આપ્યા છે. હું એમની સાથે ક્યારેય વિશ્વાસઘાત નહીં કરું. એ વ્યક્તિ સ્પષ્ટ રીતે મને લાલચ આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઇ જવા માટે કહ્યું છે. ભાજપનો આ ખોટો પ્રયાસ છે.