Lata Mangeshkarના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી શોકમાં || News11 Gujarati

ભારત રત્ન ગાયિકા લતા મંગેશકરનું 92 વર્ષની ઉંમરમાં નિધન થયું છે. લતા મંગેશકરને કોરોના તથા ન્યુમોનિયા હોવાથી 8 જાન્યુઆરીના રોજ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કર્યાં હતાં. અને અહીંયા તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. ભારત રત્ન લતાજીના અવસાનથી આખો દેશ દુઃખી છે. ગીતકાર સ્વાનંગ કિરકિરે, અક્ષય કુમાર, તરણ આદર્શ, અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, અનિલ કપૂર, હેમા માલિની, ધર્મેન્દ્ર, અને શત્રુધન સિન્હા સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લતા મંગેશકરના નિધન પર શોક વ્યક્ત કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. હેમા માલિનીએ લતા દીદીને યાદ કર્યા હતા. સંસદસભ્ય અને અભિનેત્રી હેમા માલિનીએ પણ શોક વ્યક્ત કરતા તેમને 6 ફેબ્રુઆરી કાળો દિવસ ગણાવ્યો. હેમા માલિનીએ લખ્યું, તેમનું નિધનનું ખૂબ જ દુખદાયક છે. તેઓ એક મહાન કલાકાર હતા. તેમના પર સરસ્વતીજીનું સંપૂર્ણ વરદાન હતું.

તેમણે પોતાના જીવનમાં ઘણા બધા સારા ગીત ગાયાં છે. હું ભાગ્યશાળી છું કે મને તેમના ગીતોમાં કામ કરવાની તક મળી. લતાજીનું નિધન માટે એક મોટી ખોટ છે. એ આર રહેમાને લતા મંગેશકર સાથેનો ફોટો શેર કર્યો અને લખ્યું, “પ્રેમ, સન્માન અને પ્રાર્થના”. અજય દેવગને લખ્યું, “હંમેશાં માટે એક આઈકોન. હું તેમના ગીતોની વિરાસતને યાદ રાખીશ. આપણે કેટલા નસીબદાર હતા કે લતાજીના ગીત સાંભળીને મોટા થયા. ઓમ શાંતિ. મંગેશકર પરિવાર પ્રત્યે સંવેદના.” અક્ષય કુમારે લખ્યું, “મેરી આવાજ હી પહેચાન હૈ, ગર યાદ રહે… અને આવા અવાજને કોઈ કેવી રીતે ભૂલી શકે છે. લતા મંગેશકરજીના નિધનથી ખૂબ જ દુઃખી છું, મારી સંવેદના અને પ્રાર્થના. ઓમ શાંતિ.” અનિલ કપૂરે લખ્યું, “મારું દિલ તૂટી ગયું છે. પરંતુ આ અવિશ્વસનીય આત્માને જાણીને અને તેમના પ્રેમ માટે ધન્ય છું… લતાજી મારા દીલમાં એક સ્થાન ધરાવે છે. જે ક્યારેય કોઈ નહીં લઈ શકે. તેઓ શાંતિથી આરામ કરે અને પોતાના તેજથી આકાશને રોશન કરે.” મધુર ભંડારકરે લતા મંગેશકર સાથેનો એક ફોટો શેર કર્યો અને લખ્યું, ” દીદીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેઓ વર્ષોથી મારા માટે એક માતાની જેમ રહ્યા છે. દર બીજા અઠવાડિયે તેમની સાથે ફોન કરીને વાત થતી હતી અને વાતચીત કરતો હતો. આ મારે માટે વ્યક્તિગત ક્ષતિ છે. તેમણી ઉપસ્થિતિ મારા જીવનમાં યાદ આવશે. લવ યુ દીદી. ઓમ શાંતિ# વૉઇસ ઑફ ઇન્ડિયા.”