ગાંધીનગર : સાંતેજમાં ત્રણ વર્ષની બાળકીની હત્યા નીપજાવી દુષ્કર્મ આચરનારા વિજય ઠાકોરને જન્મટીપની સજા || News11 Gujarati

ગાંધીનગર બાળકી પર દુષ્કર્મ અને હત્યા મામલામાં આજે સેશન્સ કોર્ટે આરોપી વિજય ઠાકોરને આજીવન કેદની સજા ફટકારી છે. ગાંધીનગર ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચલાવાયો હતો. દેશના ઇતિહાસમાં સૌથી ઝડપી માત્ર 8 દિવસમાં ગાંધીનગર પોલીસે ચાર્જશીટ ફાઈલ કરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણાવ્યો હતો. ત્યારે મજબૂત પુરાવાઓને આધારે કડકમાં કડક સજા મળે તેવી અપીલ કરાઈ હતી. આરોપી વિજય ઠાકોર સામે ત્રણ બાળકી સાથે દુષ્કર્મ કરવાનો આરોપ છે. ગાંધીનગરના સાંતેજ વિસ્તારમાં ત્રણ વર્ષની એક બાળકીની હત્યા નીપજાવી દુષ્કર્મ ગુજારવાના મામલે ગાંધીનગર સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. મહત્ત્વનું છે કે માસૂમ બાળકીની હત્યા અને દુષ્કર્મ કેસમાં પોલીસે માત્ર આઠ દિવસમાં જ ચાર્જશીટ ફાઈલ કરી માત્ર 14 દિવસમાં સુનાવણી પૂર્ણ કરી સજા ફટકારી દાખલો બેસાડ્યો છે. વિજય ઠાકોરે ત્રણ વર્ષની બાળકીનું બાઈક પર અપહરણ કરી અવાવરૂ નાળામાં લઈ ગયો હતો અને તેના પર દુષ્કર્મ આચર્યું હતું, જેને કારણે બાળકી રડવા લાગી હતી અને ગુપ્ત ભાગેથી પુષ્કળ રક્તસ્ત્રાવ થવા લાગ્યો હતો. આથી પકડાઈ જવાની બીકે વિજયે તેનું ગળું દબાવી હત્યા કરી નાખી હતી. એ અંગે ગુનો દાખલ થયા પછી ગાંધીનગર પોલીસે તપાસ શરૂ કરી હતી અને બાળકીનું બી.જે. મેડિકલ કોલેજ ખાતે પેનલ ડોક્ટરો મારફત પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જેમાં વીર્યના અવશેષો મળ્યા હતા. ઉપરાંત વિજયના પેન્ટ પરથી પણ વીર્યના ડાઘ મળી આવ્યા હતા. જેમાં પોલીસે વિજય ઠાકોર સામે નોંધાયેલા અલગ અલગ ગુનાઓ પૈકી ત્રણ વર્ષની બાળકીની હત્યા-દુષ્કર્મ કેસમાં આઠ દિવસના રિમાન્ડ મેળવીને તેની સામે મજબૂત પુરાવા મેળવ્યા હતા, જેના આધારે ધરપકડના આઠ દિવસમાં જ એટલે કે 15મી નવેમ્બરના રોજ ગાંધીનગર કોર્ટમાં 500 પાનાંની ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી, જેમાં 60 વધુ સાક્ષીઓનાં નિવેદનો, સીસીટીવી, એફએસએલ રિપૉર્ટ, સહિતના મહત્વના પુરાવાઓ એકઠા કર્યા હતા. .આ ચાર્જશીટ ફાઇલ થયા બાદ ગાંધીનગર પોક્સો કોર્ટમાં સુનાવણી શરૂ કરવામાં આવી હતી, જેમાં સરકારી વકીલ સુનીલ પંડયાએ ફાંસીની સજાના 13 જજમેન્ટ કોર્ટમાં રજૂ કર્યા હતા અને 66 પાનાંની દલીલો પણ રજૂ કરી હતી. આરોપીના રિમાન્ડ દરમિયાન તેણે બાળકીનાં વસ્ત્રો બનાવ સ્થળથી થોડેક દૂર ફેંકી દીધા હોવાની કબૂલાત કરી હતી, જેને પગલે પોલીસે એફએસએલની ટીમ, પંચો તેમજ વીડિયો રેકોર્ડિંગ સાથે સ્થળ પરથી બાળકીનાં કપડાં કબજે લીધાં હતાં. ત્યારે વિજયને લઈને પોલીસ તેના ઘરે ગઈ હતી. એ સમયે કબાટમાં ઘણાં કપડાં હતાં, પરંતુ બળાત્કાર – હત્યા સમયે તેણે કયાં કપડાં પહેર્યાં હતાં એની સાચી હકીકત જણાવતો નહોતો. જેથી પોલીસે તેનાં બધાં કપડાં કબજે લઈ FSLમાં મોકલી આપતાં એક કપડાંની જોડના પેન્ટની ચેઇન પરથી વીર્યના તેમજ બાળકીના રુધિરના અવશેષો મળ્યા હતા, જેનું DNA પરીક્ષણ કરાવવામાં આવતાં બાળકીના ગુપ્ત ભાગેથી મળી આવેલા વીર્યના અવશેષો સાથે મેચ થઈ ગયા હતા. સાંતેજમાં ત્રણ વર્ષની બાળકીની હત્યા અને દુષ્કર્મ મામલે આરોપી વિજય ઠાકોરની પોલીસે ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ અન્ય બે બાળકીનું પણ અપહરણ કરી દુષ્કર્મ ગુજાર્યું હોવાની કબૂલાત કરી હતી. આરોપી વિજય ઠાકોર સામે પાંચ વર્ષની બાળકી સાથેના દુષ્કર્મના કેસની 400 પાનાંની ચાર્જશીટ પણ કોર્ટમાં ફાઇલ પણ કરી દેવામાં આવી છે, જેની સુનાવણી નજીકના દિવસમાં શરૂ થવાની શક્યતા છે. આ ઉપરાંત હવે દુષ્કર્મના તમામ કેસની પૂછપરછ પૂર્ણ થઈ ચૂકી છે. હવે પોલીસ તેની ફરીથી કસ્ટડી મેળવીને મહિલાઓ પર હુમલો કરીને દાગીના તેમજ કીમતી મત્તાની લૂંટ અંગેના કેસની પૂછપરછ કરશે. કેસને વધુ મજબૂત કરવા માટે પોલીસે મૃત બાળકીની માતાનું DNA પરીક્ષણ કરાવ્યું હતું, કેમ કે બાળકીના જન્મનો કોઈ પુરાવા હતો નહીં, આથી DNA પરીક્ષણ થકી માતા – બાળકીના સંબંધો પ્રસ્થાપિત કરી વધુ એક પુરાવો ભેગો કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિજયના બે મોબાઈલ પણ કબજે લેવામાં આવ્યા હતા. આ બનાવ અગાઉ એક બાળકી સાથે પણ દુષ્કર્મ આચર્યું હતું. એ વખતે બાળકી પાસેથી મોબાઈલ વિજયે લઈ લીધો હતો જેનું સિમકાર્ડ વિજયે પોતાના મોબાઈલમાં લગાવ્યું હતું. પોલીસે મોબાઈલની ગેલરી જોતાં એક હજાર પોર્ન ફોટા મળી આવ્યા હતા, જેના પરથી પોલીસને વિજય ઠાકોર પોર્ન એડિક્ટ હોવાની ખબર પડી હતી.

કલમ 201 (પુરાવાનો નાશ કરવા) હેઠળ 2 વર્ષ સજા અને 2 હજારનો દંડ.
કલમ 302 (હત્યા) હેઠળ આજીવન કારાવાસ.
કલમ 363 (અપહરણ) હેઠળ 7 વર્ષની સજા અને 5 હજાર દંડ.
કલમ 366 (અપહરણ) હેઠળ 10 વર્ષની સજા અને 3 હજાર દંડ.
કલમ 376 એબી (બળાત્કાર (પોક્સો)) હેઠળ અંતિમ શ્વાસ સુધીની સજા.
કલમ 449 (પરવાનગી વિના ગૃહ પ્રવેશ કરવો) હેઠળ 10 વર્ષની સજા, 3 હજાર દંડ.

News11 Gujarati

News11Gujarati

====================

Social Media Accounts:

You Tube:https://www.youtube.com/news11gujarati

Facebook:https://www.facebook.com/news11gujarati

Twitter:https://www.twitter.com/News11gujarati

Instagram:https://www.instagram.com/News11gujarati

Website:https://www.news11gujarati.com

Email:news11gujarati@gmail.com

If you like the post, Please Like, Share and Subscribe Our Channel…