અમદાવાદઃ જ્વેલર્સ સાથે 65 લાખની છેતરપિંડી || News11 Gujarati

માણેકચોકના સોનીને એક કરોડના એન્ટિક દાગીનાના નામે નકલી જ્વેલરી પધરાવી

જ્વેલર્સ સાથે 65 લાખની છેતરપિંડી:માણેકચોકના સોનીને એક કરોડના એન્ટિક દાગીનાના નામે નકલી જ્વેલરી પધરાવી, 3 સામે ફરિયાદ અમદાવાદના માણેકચોકમાં સોનાનો વેપાર કરતાં વેપારીને તેની ઓળખાણમાં રહેલા ત્રણ ગઠિયાઓએ એક કરોડની કિંમતના એન્ટિક સોનાના દાગીના આપવાના બહાને નકલી દાગીના પધરાવીને 65 લાખ રોકડા પડાવીને ઠગાઈ આચરી હતી. આ વેપારીએ ત્રણ લોકો સામે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણ ગઠિયાઓ સામે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.સોનીને સ્કિમ આપીને ઠગાઈ કરી પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના માણેકચોકમાં સોનાના દાગીનાનો વેપાર કરતાં મેહુલ સોની ઠક્કરનગરમાં જ્વેલર્સની દુકાન ધરાવતા પંકજભાઈ ઠુમ્મરના સંપર્કમાં આવ્યા હતાં. આ પંકજભાઈ સાથે તેમનો ધંધો સારો ચાલતો હોવાથી તેમની સાથે પારિવારિક સંબંધો પણ વિકસ્યા હતાં. છેલ્લા 10 વર્ષથી તેમની સાથે મેહુલ સોનીનો સંબંધ હતો. પંકજભાઈ ઠુમ્મર સોના-ચાંદીના માર્કેટમાં વિવિધ ફાયદાના દાગીના અને ફાયનાન્સની વિવિધ સ્કીમોને લીધે માર્કેટમાં જાણીતા થયા હતાં. પંકજભાઈ ઠુમ્મરે મેહુલ સોનીને એક સ્કીમ અંગે જાણ કરી હતી. તેમના સર્કલમાં અક્ષય પટેલ અને સરદાર સાહેબ પાસે કેટલીક જુની એન્ટિક જ્વેલરી છે અને તેની માર્કેટ વેલ્યુ આશરે એક કરોડ કરતાં પણ વધારે છે.એન્ટિક જ્વેલરી લેવા 65 લાખ ભેગા કર્યા ​​​​​​​આ સરદાર સાહેબ એન્ટિક વસ્તુ હોવાથી રોકડા રૂપિયા આપો તો જ આપશે એવું જણાવ્યું હતું. તેઓ બહુ ગુસ્સાવાળા છે અને ઝડપથી તેમને ખોટુ લાગી જતું હોવાથી તમારી મુલાકાત કરાવવી શક્ય નથી. વેપારીએ એન્ટિક જ્વેલરી લેવા માટે કોઈપણ રીતે 65 લાખ ભેગા કરી દીધા હતાં. ત્યારબાદ પંકજ ઠુમ્મરે સરદાર સાહેબ સાથે મીટિંગ કરાવવા મેહુલ સોનીને ગોળ-ગોળ ફેરવે રાખ્યા હતાં. એક વખતે પંકજ ઠુમ્મરની દુકાને મેહુલ સોની અને તેમનો માણસ પહોંચી ગયા હતાં. ત્યાંથી ઠક્કરનગર કેનાલ પાસે એક માણસ આવવાનો હતો. તેને 65 લાખ આપવાના હતાં. આ માણસને 65 લાખ ભરેલી બેગ આપી હતી અને તેણે એક ચોરસ પ્લાસ્ટિકનો ડબ્બો મેહુલને આપ્યો હતો. તેને એવું કહેવામાં આવ્યું કે, આમાં દાગીના છે અને ઓફિસે જઈને ખોલજો.ડબ્બો ખોલતાં જ નકલી દાગીના મળ્યા​​​​​​​​​​​​​​મેહુલ સોનીએ ડબ્બો ખોલતાં જ સોનાનો ઢોળ ચઢાવેલા નકલી દાગીના મળ્યા હતાં. જેથી તેમણ પંકજને ફોન કરીને જણાવ્યું તો પંકજે કહ્યું હતું કે, તમે ચિંતા ના કરો હું સરદાર સાહેબ સાથે વાત કરૂ છું. ત્યાર બાદ પંકજે ફરીવાર ગોળગોળ ફેરવવાનું શરૂ કર્યું હતું. જેથી પોતાની સાથે ઠગાઈ થઈ હોવાનું જણાતા મેહૂલ સોનીએ પંકજ ઠુમ્મર, સહિત બે સાગરિતો સામે કૃષ્ણનગરમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.